Pressure of Result:
શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે.
વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે.
રિઝલ્ટ આવતાની સાથે જ કભી ખુશી કભી ગમ નું વાતાવરણ સર્જાય છે. એક તરફ ધાર્યું પરિણામ મેળવી ખુશ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા કે જે આખા ગામ, ફ્લેટ, સોસાયટી કે શેરીમાં બધાને રિઝલ્ટ કેહતા હોય છે. જયારે બીજી તરફ ધાર્યું પરિણામ ન મળ્યું હોય એવા દુઃખી થયેલા વિદ્યાર્થીઓ કે જેમને ધાર્યા ક્ષેત્રમાં આગળ જવા નહિ મળે. આવા વિદ્યાર્થીઓ સમાજ અને પાડોશીઓની વાતોનો ગરમ ટોપિક બની જાય છે, સમાજ તેમને એક ગુનેગારની નજરે જોવા લાગે છે અને તેના લીધે જ માતા-પિતા બાળકને ઘણું ખરું સંભળાવી દે છે. આવા કારણો ને લીધે આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કદાચ વધી જતી હશે.
રિઝલ્ટ આવતાની સાથે જ સારા રિઝલ્ટવાળા વિદ્યાર્થીઓની વાતો અને તેમનાં રિઝલ્ટ ટીવી અને ન્યૂઝ પેપરમા એટલા ફેલાય છે કે જેના લીધે ઓછા રિઝલ્ટવાળા વિદ્યાર્થીઓના માતા-પિતા વિદ્યાર્થી પર ઘણું દબાણ કરે છે. આવા નાજુક સમયે માતા-પિતા બાળકને રસ્તો બતાવવાને બદલે બેરેહમીથી કઈ પણ સંભળાવી દે છે. માતા-પિતાના આવા વર્તનથી બાળકને એવું લાગવા લાગે છે કે હવે તે કંઈ પણ કરી શકશે નહિ અને હતાશ થઇ જાય છે જેને કારણે જીવન ટૂંકાવવું કે બાળક ઘરેથી ભાગી જવું તેવા સમાચાર પણ ઘણા સાંભળવા મળે છે.
"રિઝલ્ટ સારું આવવું એ ઘણી જ સારી વાત છે અને રિઝલ્ટ સારું ન આવવું એ ખરાબ વાત છે પણ એટલી પણ ખરાબ નહિ કે બાળક ના જીવનનો જ અંત આવી જાય" અને આ વાત દરેક માતા-પિતાએ ઘણી ગઁભીરતાથી સમજવી જોઈએ. આવા નાજુક સમયમાં માતા-પિતાએ બાળક ને પ્રેમથી સમજાવવો જોઈએ કારણ કે રિઝલ્ટ ખરાબ આવવાનું દુઃખ માત્ર માતા-પિતાને જ નહિ પણ બાળક ને પણ એટલું જ હોય છે. અહીં વાત એ નથી કે માતા-પિતાએ બાળકને ખરાબ રિઝલ્ટ વિષે કંઈ જ ના કેહવું. બાળકને જિંદગીનું મહત્વ અને જિંદગીમાં અભ્યાસનું મહત્વ એમ બંને સમજાવવા કે જેથી તે કોઈ ખોટું પગલું ના ભરે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે.
ખરાબ રિઝલ્ટ આવવાનું કારણ દર વખતે બાળકની ભૂલ જ નથી હોતી પણ અમુક વખતે ઘરનું વાતાવરણ પણ હોઈ શકે છે. ઘરમાં નાના-મોટા ઝઘડાઓ, ખરાબ વર્તન અને માતા-પિતાની બેદરકારી પણ હોઈ શકે છે. માતા-પિતાએ બાળકના મનને યોગ્ય સમયે બરાબર સમજવાની કોશિશ કરવી જોઈએ અને તેની સામે મોટેથી વાતો અથવા ઝઘડાઓ ઓછા કરવા. બીજા ના બાળકોની સાથે તેની તુલના કર્યા વગર બાળકના મનને વિસ્તૃત રીતે વિકસવા દેવું કારણકે અમુક ઉંમર જતા બાળકનો માનસિક વિકાસ ઓછો થઇ જાય છે.
વાલીઓએ સમજવું જોઈએ કે, "માત્ર સારું રિઝલ્ટ જ યોગ્ય નથી તેના વિષયમાં કંઈક નવું કરવાની રુચિ પણ હોવી જોઈએ". સારા રીઝલ્ટ વાળા દરેક વિદ્યાર્થીને ડૉક્ટર કે એન્જિનિયર જ બનાવવા એ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. બાળકના યોગ્ય કૌશલ્યો અને કળાને માતા-પિતાએ બાળપણમાં જ પારખી લેવા જોઈએ અને સમય જતા તેમને યોગ્ય ક્ષેત્રોમાં દાખલ કરવા જોઈએ. કારણકે પોતાને ગમતા ક્ષેત્રમાં આગળ વધતા દરેક વ્યક્તિ ઘણુ નામ કમાય છે.
સચિન તેંડુલકર ને જો એન્જિનિયર બનવા માટે તેના પેરેન્ટ્સએ ફોર્સ કર્યો હોત તો તેનું નામ કદાચ આજે આટલું જાણીતું ના હોત અને તેની ફિલ્મ પણ ન બનત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વાલી મિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો:
=> બીજાના બાળકો સાથે તેની સરખામણી કરવી નહિ, સરખામણી કરવાથી બાળકનું મન અમુક સીમા નક્કી કરીલે છે.
=> વાલીઓએ પોતાના અધૂરા સપના પુરા કરવા કે દેખાડો કરવા ડૉક્ટર કે એન્જિનિયરની લાઈનો લેવડાવવી નહિ.
=> બાળકને યોગ્ય લાઈન પસંદ કરવાની જવાબદારી આપવી અને તેની પસંદગીમાં મદદ કરવી.
=> ઘરમાં અભ્યાસ માટેનું ટેંશન ફ્રી અને શાંત વાતાવરણ રાખવું.
=> યોગ્ય પ્રવાસ કરાવી બહારની દુનિયા અને જુદી-જુદી સંસ્કૃતિઓની યોગ્ય જાણકારી કરાવવી જેથી તેના મનનો યોગ્ય વિકાસ થાય.